ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે રૂ. 1744.21 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો વધારો દર્શાવે છે. કમિશનર જે.એન. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત-2026 અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કર્યું છે.
શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. રાંધેજા વિસ્તારમાં જિલ્લા કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનશે, જ્યારે વાવોલમાં 23 કરોડના ખર્ચે ગાર્ડન અને પાંચ આંબા તળાવનું નિર્માણ થશે. શહેરની સુંદરતા વધારવા ત્રણ કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે અને વિવિધ સ્થળોએ આકર્ષક સર્કલો બનાવવામાં આવશે.
આરોગ્ય સુવિધાઓમાં રાંધેજા, સરગાસણ અને કોટેશ્વર ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ત્રણ ઝોનમાં આયુષ સેન્ટર્સ બનશે. શિક્ષણ ક્ષેત્રે રાંધેજા, પેથાપુર, સેક્ટર-15 સહિત અનેક સ્થળોએ નવી શાળાઓ અને આંગણવાડીઓનું નિર્માણ થશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિયાપુર, ખોરજ અને વાવોલમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, જેના માટે 80 કરોડના ખર્ચે નવા ફાયર વાહનોની ખરીદી કરાશે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ કાર્યો હાથ ધરાશે, જેમાં પેથાપુરમાં સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટર, કોલવડામાં સિનિયર સિટીઝન પાર્ક, અને વિવિધ સ્થળોએ કોમ્યુનિટી હોલ અને લાયબ્રેરીનું નિર્માણ સામેલ છે.

