લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર આવેલા લખતર તાલુકાના છારદ નજીક સ્ટેટ હાઈવેની સાઈડમાં ગંદકીનું સામ્રાજ્ય છે. જ્યાં મોટાપાયે કચરાના ઢગ પડેલા છે. જેના લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.
સરકાર દ્વારા સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે. સ્વચ્છતાના નામે મોટા મોટા અભિયાનો ચલાવવામાં આવે છે. તો સ્વચ્છતા પાછળ સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે.
પરંતુ ગ્રામ્ય વિસ્તારો તો ઠીક સ્ટેટ હાઇવે ઉપર પણ ગંદકીનું સામ્રાજ્ય અને સફાઈનો મોટાપાયે અભાવ જોવા મળી રહ્યો છે. 100 કરોડથી વધુના ખર્ચે લખતર – વિઠ્ઠલાપરા બોર્ડર સુધી ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે.
આ રોડ ઉપર તાલુકાનાં છારદ ગામ નજીક સ્ટેટ હાઈવેની સાઈડમાં કચરો ફેલાયેલો છે. ત્યારે આ કચરાના કારણે થોડી દુર્ગંધ પણ આવતી હોવાથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોડ પાછળ કરોડો ખર્ચાયા બાદ પણ રોડની સાઈડમાં કચરો ફેલાયેલો પડેલો છે.
તેથી આ હાઇવે ઉપર ગ્રામ્ય વિસ્તાર નજીક સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઊડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સ્થાનિક તંત્ર કે માર્ગ અને મકાન વિભાગ તંત્ર યોગ્ય રીતે સફાઈમાં ધ્યાન આપે અને તાત્કાલિક અસરથી આ હાઇવે ઉપરથી કચરો દૂર કરે તેવી માગ ઊઠી છે.

