Gujarat

ગીર સોમનાથમાં પંદર-વીસ દિવસથી વરસાદ ન આવતાં 1.47 લાખ હેક્ટરમાં થયેલું વાવેતર જોખમમાં, ફુવારા અને ડ્રિપ ઈરિગેશનનો આશરો

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ વિલંબ થયો છે.

ખેડૂતોએ વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રિપ અને ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા છે

ખેડૂતોના જણાવ્યા મુજબ, જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ હજુ સુધી પડ્યો નથી. કુવામાં પાણી છે પરંતુ તે સીમિત માત્રામાં છે. જો વરસાદ વધુ ખેંચાય તો આવનાર સમયમાં પાકને બચાવવું મુશ્કેલ બની શકે છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1,47,725 હેક્ટરમાં વાવેતર થયેલ છે. તાલુકા પ્રમાણે જોઈએ તો વેરાવળમાં 20,563 હેક્ટર, તાલાલામાં 14,407 હેક્ટર, સુત્રાપાડામાં 20,565 હેક્ટર, કોડીનારમાં 29,175 હેક્ટર, ગિરગઢડામાં 28,315 હેક્ટર અને ઉનામાં 34,700 હેક્ટરમાં વાવેતર થયું છે.