મેઘપર અને મોટી ખાવડી કલસ્ટરમાંથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો.5થી 8ની વિદ્યાર્થિનીઓની 12- ટીમો ભાગ લેશે
રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ.શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી અને લોકાભિમુખ ઉજવણી થશે. જે અંતર્ગત આગામી તા.27 ડિસેમ્બરે રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મોટી ખાવડી ક્રિક્રેટ ગ્રાઉન્ડ ખાતે ‘શ્રી ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ યોજાશે. આ ટુર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધો.5થી 8ની વિદ્યાર્થિઓની અલગ-અલગ 12 ટીમ ભાગ લેશે. આ રમતોત્સવ વિદ્યાર્થિનીઓ માટે એક ઉત્સાહભર્યો અને સશક્તિકરણથી ભરેલો સાબિત થશે.

ગ્રામ્ય સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં આત્મવિશ્વાસ તથા રમતગમતના ઉત્સાહને આગળ વધારવાના ઉમદા હેતુ સાથે યોજાનાર આ ટૂર્નામેન્ટમાં મેઘપર ક્લસ્ટરમાંથી મેઘપર, પડાણા ગામ, પડાણા પાટિયા, જોગવડ ગામ, જોગવડ પાટિયા અને નવાણીયા એમ છ શાળાની ટીમ ભાગ લેશે. એ જ રીતે મોટીખાવડી ક્લસ્ટરમાંથી મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, ગાગવા, ગાગવા વાડી અને મુંગણી મળી વધુ છ શાળાની ટીમ ભાગ લેશે. નોકઆઉટ ફોર્મેટમાં રમાનારી ટૂર્નામેન્ટમાં કુલ ૧૧ મેચો રમાશે. તમામ મેચોના અંતે મેઘપર અને મોટી ખાવડી ક્લસ્ટરની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે અને ચેમ્પિયન નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટને લઈ ગામના શિક્ષકો અને યુવા સભ્યો સ્વૈચ્છિક રીતે સમય આપીને દૈનિક પ્રેક્ટિસ દરમિયાન પોતાના ગામની ગર્લ્સ ક્રિકેટ ટીમને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે.

વધુમાં, આ ટૂર્નામેન્ટ સુંદર રીતે યોજાય તે માટે આયોજકો દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી છે, જેમાં મેદાન પર ખેલાડીઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, ઠંડા પાણીની વ્યવસ્થા, અનુભવી અમ્પાયર અને સ્કોરર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, તમામ ૧૨ ટીમોની ખેલાડીઓને સ્પોર્ટ્સ શૂઝ, ખેલાડીના નામ સાથેની કસ્ટમાઇઝ્ડ ટીમ ટી-શર્ટ અને પ્રોત્સાહક મેડલ આપવામાં આવશે. જયારે, ટૂર્નામેન્ટના અંતે પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટકીપર અને શ્રેષ્ઠ ટીમને પ્રોત્સાહિત કરી ખેલાડીઓની ખેલ ભાવનાને ઉત્તેજન આપવામાં આવશે. ટૂર્નામેન્ટ બાદ તમામ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પ ધરાવતી ટેનિસ બોલ ક્રિકેટ કિટ પણ ભેટ અપાશે, જેથી ટૂર્નામેન્ટ બાદ ટીમો પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે. મહત્વપૂર્ણ છે કે, આ ટૂર્નામેન્ટનો હેતુ ગ્રામ્ય કક્ષાએ રમતોત્સવનું આયોજન કરીને સ્થાનિક ખેલકુદ સંસ્કૃતિને મજબૂત કરવાની સાથે કન્યાઓ રમતગમતમાં મહત્તમ સહભાગી બને તે માટે પરિવારજનોને પ્રોત્સાહિત કરવાનો છે.

નોંધનીય છે કે, રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ વર્ષોથી યુવા વર્ગ અને રમતગમતને પ્રોત્સાહન આપતી આવી છે. જામનગર તથા તેની આસપાસના ગામો અને શાળાઓમાં અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટસને સહાય આપીને રિલાયન્સ ગ્રુપે યુવા ખેલાડીઓને પ્રારંભથી જ રમતના અનુભવ સાથે આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરી છે. ક્રિકેટ જ નહીં, રિલાયન્સ ગ્રુપે અન્ય રમતોમાં પણ ભાગીદારીને પ્રોત્સાહિત કરી છે અને ખાસ કરીને ચેસ અને ફૂટબોલને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે, જેથી બાળકોને વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાનો અવસર મળી રહે.
આ ટૂર્નામેન્ટ દીકરીઓ માટે પોતાની ક્રિકેટ પ્રતિભા ઓળખવાનો એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે, જે શ્રી ધીરુભાઈ અંબાણીના જન્મજયંતિના ઉત્સાહ અને વારસાને અનુરૂપ રીતે યુવા ઊર્જાને પોષણ આપવાની દિશામાં એક નોંધપાત્ર પગલું બની રહેશે. આ ટૂર્નામેન્ટ નિહાળવા જામનગર તથા આસપાસના વિસ્તારના ખેલપ્રેમીઓને નિમંત્રણ પાઠવાયું છે.

