સમાજને સંસ્કારોનું સિંચન કરાવતા બ્રહ્મસમાજ માટે શ્રાવણી પૂનમ દિવાળી જેવો ઉત્સવ ગણાય છે. આ દિવસે સર્વે બ્રાહ્મણો અને દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પાવન અવસરે ગુગળી બ્રાહ્મણો આ નૂતન દિવસની અલગ રીતે ઉજવણી કરે છે.

આ દિવસે બ્રહ્મ સમાજ સમસ્ત વર્ષ દરમિયાન સમાજની પ્રવૃત્તિઓની સૂચિ રજૂ કરે છે. વહેલી સવારથી જ ગુગળી બ્રાહ્મણો પવિત્ર ગોમતી નદીના ઘાટે દેહશુદ્ધિ માટે સ્નાન કરે છે. ત્યારબાદ સમાજની બ્રહ્મપુરી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરવાની વિધિ કરવામાં આવે છે.
શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે સુંદર વાતાવરણમાં સુગંધ પ્રસરે છે. જનોઈની સાથે સાથે બ્રાહ્મણ પરિવારમાં ગત રક્ષાબંધનના તહેવાર પછી જન્મેલા નવ ઋષિકુમારોને આજના દિવસે ઋષિ પાટલાને પગે લગાડવાની અનોખી પરંપરા પણ નિભાવવામાં આવે છે.