Gujarat

એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં જામનગરના નચિકેતા ગુપ્તા સેમિફાઈનલ સુધી પહોંચ્યા

જામનગરના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં તેઓ ગુજરાતના એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે.

નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ કાયકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે. તેઓ માત્ર કાયકર જ નહીં પણ એક બહુઆયામી ઍડવેન્ચર એથ્લીટ છે.

સ્કીંગ, પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિયરિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ નિપુણતા ધરાવે છે. નચિકેતા જણાવે છે કે, “આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની વાત છે. હું ઈચ્છું છું કે વધુ યુવાઓ વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રમત તરફ પ્રેરાય.”

મલબાર રિવર ફેસ્ટિવલ કેરળના કોઝિકોડ જિલ્લાના પેરિયાર, ચાલીપુઝા અને ઇરૂવાઝિંજી નદીઓ પર આયોજિત થાય છે. દર વર્ષે ભારત તથા યુરોપ, ન્યુઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા ૧૦થી વધારે દેશોના શ્રેષ્ઠ કાયકરો આમાં ભાગ લે છે. સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓમાં Boater Cross, Downriver Race અને Extreme Slalom સામેલ છે. આ સ્પર્ધામાં રમતકૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ, સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે.

કાયાક એક સાંકડી અને લાંબી બોટ હોય છે. કાયાકિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે. વ્હાઇટ વોટર કાયકિંગમાં પર્વતીય વિસ્તારોની ઝડપી અને ઉછળતા પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે. આ રમત ઊંડા જળપ્રવાહ, પથ્થરો અને વળાંકોથી ભરેલી હોવાથી દમદાર કૌશલ્ય, શારીરિક તાકાત અને સતર્કતાની માંગ કરે છે.