રાજ્યના 9 જિલ્લામાં મંગળવારે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું હતું. આગાહી મુજબ રાજ્યનાં 14 શહેરોમંાં 40 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં 42.8 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું.
બીજા ક્રમે રાજકોટમાં 42.3 અને કેશોદમાં 41.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને દીવ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે એવી આગાહી કરી છે. જો કે ગુરુવારથી આકરી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે.
વડોદરામાં યલો એલર્ટની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 41.2 અને લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે બુધવારના રોજ પણ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર-પૂર્વ દિશાએથી ફૂંકાઇ રહેલા ગરમ પવનને કારણે માર્ચ માસમાંજ મે મહિના જેવી ગરમી અનુભવાઇ રહી છે જેના પગલે ભુજમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. મંગળવારે પારો ઉંચકાઇને 42.4 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હજુ પણ ગરમી વધવાની સંભાવનાએ આજે બુધવારે રેડ અને કાલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
જિલ્લા મથક ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાનમાં ત્રણ દિવસથી સતત વધારો થઇ રહ્યો છે પરિણામે ફાગણ માસમાં વૈશાખ જેવા માહોલ સર્જાતાં બપોરે લૂ અનુભવાઇ હતી. દિવસભર પવનની ગતિ નહિવત રહેવાની સાથે ભેજનું પ્રમાણ પણ સવારે 43 અને સાંજે 14 ટકા રહેતાં ગરમીનો ડંખ વધ્યો હતો. લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 6.7 ડિગ્રી વધીને 24.2 ડિગ્રીએ પહોંચતાં મોડી રાત સુધી ગરમીમાં રાહત વર્તાઇ ન હતી.

