રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળી પશ્ચાતનો વિશ્વ વિખ્યાત “ગેર” નો મેળો આજે ભરાયો હતો, આદિવાસી સંસ્કૃતિ ,પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતો ગેર નો મેળો આમેય વિશ્વ વિખ્યાત છે ,ગુજરાત .. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર….આમ ત્રણ રાજ્યોની સરહદે આવેલ ક્વાંટના “ગેર” ના મેળામાં ત્રણ રાજ્યના સરહદી વિસ્તારમાં વસતા આદિવાસીઓ ટુકડીઓ બનાવી પોત પોતાના પારંપરિક પોષક અને આભૂષણોથી સજ્જ બની પારંપરિક ઢોલ,થાળી, નગારા , પીહા સહિતના પ્રાચીન વાજીંત્રો વગાડતા પોતાની આગવી ઓળખ સમાન આદિવાસી ટીમલી સહિતના નૃત્ય કરતા નાચતા કૂદતા મેળામાં મહાલતા જોવા મળે છે.

સાથે રાજ્ય અને દેશભરમાંથી તો જ મેળાની મોજ માણવા સહેલાણીઓ આવેજ છે. પરંતુ મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ મેળામાં આવતા હોય છે,આમ તો હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા પંથકના તમામ મેળાઓનું મહત્વ તો છે, જ પરંતુ આ તમામ મેળાઓમાં કવાંટનો ગેરનો મેળો એક અનોખી મહત્વતા ધરાવે છે.
અને તેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ગેરના મેળામાં ઢોલ થાળી વગાડતા આવતી ગેરૈયાઓની ટુકડીઓ ..ગેરૈયાઓની વેશભૂષા, તેમનો શૃંગાર , ખુલ્લા શરીર ઉપર દોરેલ આકૃતિઓ ..માથા ઉપર મોરપીંછ નો વિશિષ્ટ પ્રકારનો મુગટ..કેડ ઉપર બાંધેલા મોટા ઘૂઘરા તાલબધ્ધ રીતે વગાડવાની સાથે હાથમાં વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા સાથે ગેરૈયા નૃત્ય કરતા ગેરીયાઓ કે જેમાં પોતાની બાધા મુજબ કેટલાક પુરુષ મહિલાના વેશમાં સજી ધજીને તો કેટલાક વિચિત્ર પ્રકારના વસ્ત્રો પરિધાન કરીને તો કેટલાક શરીરે કાળી મેશ લગાડી ગેરૈયા ટુકડી બનાવી ક્વાંટ નગરના માર્ગો ઉપર નૃત્ય કરતા નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે, અને એટલેજ આવા ગેરૈયાઑને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ત્યારે સૌથી મોટા મેળા સમાન ક્વાંટના વિશ્વ વિખ્યાત ગેરના મેળાને .. ભારતીય ગ્રામીણ સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ વધુ પ્રચલિત કરવાની સાથે રાષ્ટ્રીય મેળાઓની શૃંખલામાં લાવવાના ઉદ્દેશ્યથી આજના મેળામાં આવતા તમામ લોકો માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ક્વાંટ નગરમાં ઠેર ઠેર પ્રાઈમ લોકેશન વાળી વિશાળ દીવાલો ઉપર આદિવાસી પીઠોરા ચિત્ર , વારલી પેઇન્ટિંગ સહિત આદિવાસીઓની ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો પણ દોરવામાં આવ્યા હતા.

અને આજે ગેરૈયાઓને પોતાની પ્રતિભા રજૂ કરે તે માટે એક મંચ પૂરું પાડવાની સાથે આદિવાસી જીવન શૈલીના ભાગરૂપે બનાવવામાં આવતી અને ઉપયોગમાં લેવાતી ભાતિગળ સંસ્કૃતિની ઓળખ સમાન આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી પિથોરા પેઇન્ટિંગ, વારલી પેઇન્ટિંગ સહિત પારંપરિક પોશાકને વસ્ત્રો, વાજીંત્રો સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, લોકોને અવર જ્વર કરવામાં કોઈ મુશ્કેલી ના થાય તે માટે વિશેષ આયોજન કરવાની સાથે ઠેર ઠેર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ,સાફ સફાઈ માટે આયોજન કરવામાં આવ્યું હતું, સાથે વિવિધ સ્પર્ધાઓ થકી પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

