છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે આથમણા ફળિયામાં રહેતાં અને ઘરકામ કરતાં જ્યોતિબેન રાજુભાઇ તડવી પોતાના બે સંતાનો સાથે રહે છે. ઘરકામ કરીને ગુજરાન ચલાવતાં પરિવારની માસુમ દિકરીને ગામનો જ તાંત્રિક લાલાભાઇ તડવી ઉઠાવીને બલી ચઢાવી દીધી હતી. જે અંગે જ્યોતિબેન તડવીએ પોલીસ મથકે નોંધાવેલી એફઆઇઆર અક્ષરસ: પ્રસ્તુત કરી છે.
બાળકી ગુમાવનાર માતાએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIR અક્ષરસ:
આજરોજ સવારમાં આઠેક વાગ્યે મારા ઘરવાળો (પતિ) ગોવિંદપુરા કંપનીમાં મજુરીકામ કરવા ટીફીન લઇને ઘરેથી નીકળેલા હતાં અને હું ઘરકામ કરતી હતી અને સાડા આઠેક વાગ્યાની આસપાસ હું મારા છોકરા ક્રિષ્નાને તેડીને અમારા ઘરની સામે આવેલ વાડામાં કપડાં ધોવા માટે જતી હતી. તે વખતે મારી પાછળ પાછળ મારી છોકરી રીતા આવતી હતી અને અમે મારા ઘરની સામે રોડ ઉપર ચાલતાં જતા હતાં. તે વખતે મારી છોકરી રીતાએ અચાનક બુમો પાડતાં મેં પાછળ ફરીને જોયું તો અમારા ઘરની સામે રહેતાં લાલાભાઇ હિંમતભાઇ તડવી રીતાનું એક હાથે મોઢું દબાવીને તેને ઉંચકીને દોડા-દોડ તેના ઘરમાં જતો.
તે વખતે હું મારા છોકરા ક્રિષ્નાને લઇને તેની પાછળ દોડેલ. તો આ લાલાભાઇએ મારા છોકરા ક્રિષ્નાને પણ ખેંચવાનો પ્રયત્ન કરેલ. અને તે વખતે મેં મારા દાદાજીના છોકરા અશ્વિનભાઇ પ્રતાપભાઇ તડવીને બુમ પાડેલ કે, લાલાભાઇ મારી છોકરી રીતાને ઉંચકીને તેના ઘરમાં લઇ ગયેલ છે.
દોડો, તેમ બુમ પાડતાં મારા દાદાજીના છોકરા અશ્વિનભાઇ પ્રતાપભાઇ તડવી તથા નવનીતભાઇ પ્રતાપભાઇ તડવી દોડા દોડ આવેલ અને અમે લાલાભાઇના ઘર આગળ આવતાં તેમનું ઘરનું બારણું ખુલ્લું હતું અને લાલાભાઇ હિંમતભાઇ તડવીના હાથમાં કુહાડી હતી. અને લાલાભાઇએ કુહાડી બતાવી અમને બધાંને કહેલ કે, ઘરમાં આવશો તો તમને બધાંને પતાવી દઇશ તેમ બોલતાં અમને બધાંને બીક લાગતાં અમે તેના ઘરમાં ગયેલ નહિં. અને અમે તેના ઘરની બહાર ઉભા હતાં તે વખતે આ લાલાભાઇએ મારી છોકરી રીતાને રૂમમાં વચ્ચેના ભાગે ચત્તી સુવડાવી તેના હાથમાં રહેલ કુહાડીનો એક ઘા રીતાના ગળાના ભાગે મારતાં તેને લોહી નીકળવા લાગેલ. અને રીતા તરફડતી હતી.

