Gujarat

ટ્રેનમાં બુકિંગ વધે તો ટિકિટ વેચાણ બંધ કરી પ્લેટફોર્મ પર બેરિકેડ મૂકવા આદેશ

મહાકુંભમાં જવા માટે શનિવારે રાતે નવી દિલ્હી સ્ટેશને થયેલી ભીડ અને ત્યારબાદ થયેલી ભાગદોડમાં 18 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. આ ઘટનાની ગંભીરતા જોતા રેલવે બોર્ડ દ્વારા તત્કાલ અસરથી દેશભરના તમામ સ્ટેશનો પરથી મહાકુંભમાં જવા માટે પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દેવાની સાથે કોઈને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

તેની સાથે જ તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમમાં નજર રાખવા તેમજ સ્ટેશન પર અને ટ્રેનોમાં થતી ભીડ અંગે દર 4 કલાકે રિપોર્ટ આપવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

ઉચ્ચ અધિકારીઓએ આપેલ આદેશ મુજબ ટ્રેનો ઉપડવાના સમયે સ્ટેશન પર વધુ ભીડને કંટ્રોલ કરવા માટે તેમજ ધક્કામુક્કી વગર તમામ લોકો સરળતાથી ટ્રેનના કોચમાં બેસે તે માટે આરપીએફ અને જીઆરપીનો પુરતો બંદોબસ્ત રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

તેની સાથે જ સ્ટેશનની ક્ષમતા અને ટ્રેનની ક્ષમતા કરતા વધુ ટિકિટોનું વેચાણ ન કરવા અને જરૂર પડે તો ટ્રેન હાઉસફુલ થઈ ગઈ હોવા અંગે પેસેન્જરોને જાણ કરી ટિકિટનું વેચાણ બંધ કરવા પણ સૂચન કરાયું છે.

તમામ સ્ટેશનો પર જ્યાં પેસેન્જરોની ભારે ભીડ જણાય તો પ્લેટફોર્મ પર પેસેન્જરોની એન્ટ્રી અટકાવી તેમને સ્ટેશન બહાર તૈયાર કરાયેલા ટેમ્પરરી હોલ્ડીંગ એરિયામાં રોકવા સમજાવવું અને ટ્રેનનો સમય થાય ત્યારે જ તેમને પ્લેટફોર્મ પર એન્ટ્રી આપવી.

એજ રીતે પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોના ઉપડવાના સમયે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ પ્લેટફોર્મ પર હાજર રહી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે રીતે વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. તેની સાથે જ સંપૂર્ણ સ્ટેશન પરિસરમાં સીસીટીવીની મદદથી સતત નજર રાખવા અને જરૂર જણાય ત્યાં તત્કાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવવામાં આવ્યું છે.