Gujarat

સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા ભવ્ય સેવા ત્રિવેણી સંગમ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની વૈદિક પરંપરાથી ઉજવણી કરવામાં આવી હતી

ધાર્મિક આસ્થા આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનો અદભૂત સમન્વય 
આ પ્રસંગે હોમ હવન, આરતી મહાપ્રસાદ સાથે રકતદાન કેમ્પ, એકયુપ્રેશર નિદાન તેમજ પક્ષીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનો અનોખા પ્રયાસની શહેરભરમાં ભારે પ્રશંસા થઈ હતી
સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહોત્સવની ઉજવણી સંપૂર્ણપણે વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી હતી, જેણે આધ્યાત્મિક વાતાવરણને વધુ ગહન બનાવ્યું હતું.
મહોત્સવ દરમિયાન, એક્યુપ્રેશર નિદાન કેમ્પ તેમજ કુદરતી ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ચિકિત્સક  ગોપાલભાઈ ભરખડા અને  હીનાબેન ભરખડાએ નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપી હતી, જેનો મોટી સંખ્યામાં દર્દીનારાયણોએ લાભ લીધો હતો. લોકોએ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરાવીને કુદરતી ઉપચાર વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, આશ્રમ દ્વારા ધોમધખતા તાપમાં અબોલ જીવોને રાહત પહોંચાડવા માટે વિનામૂલ્યે પક્ષીઓ માટે રહેવા માળા અને પાણી માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કરુણામય પહેલની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ ઉત્તમ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ કેમ્પની વ્યવસ્થાઓ શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. સાયંકાલીન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતીમાં વિશાળ સંખ્યામાં ભક્તો દિવ્ય દર્શન માટે જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
ત્યારબાદ, હનુમાનજી દાદાનો મહાપ્રસાદ સંતો, ભક્તો, ભાઈઓ, બહેનો અને નાના નાના બાળકોએ હજારોની સંખ્યામાં એક સાથે બેસીને ગ્રહણ કર્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ચાલતા હવનનો પણ લાભ લીધો હતો. સાથોસાથ બહોળી સંખ્યામાં ભાવિકોએ તાત્કાલિક હનુમાનજી મહારાજના સર્વે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ આશ્રમમાં ચેતન ધૂણાના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ, શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાના ભવ્ય ત્રિવેણી સંગમ સમાન રહી હતી. સમગ્ર વર્ષ દરમિયાન આશ્રમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
   
આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ દાતાશ્રીઓ તેમજ સૌ ભાવિકોનો તેમજ સ્વયંસેવકોનો તાત્કાલિક હનુમાનજી આશ્રમના મહંત શ્રી હનુમાનદાસ બાપુ ગુરુ રામ સુંદર દાસ બાપુ દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ મહોત્સવ ધાર્મિકતા અને વૈદિક પરંપરાથી ઉજવાયો હતો, જેણે ઉપસ્થિત સૌને એક અલૌકિક અનુભૂતિ કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા