Gujarat

સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા બે માસથી બંધ, અનેક પરિવારોને આર્થિક સંકટ

સલાયા દ્વારકા જિલ્લાનું છેવાડાનું બંદર છે.અહીં લોકોનો મુખ્ય આર્થિક સ્ત્રોત ફિશીંગ અને વહાણવટાનો વ્યવસાય છે. અંદાજે 45,000 આસપાસની સલાયાની વસ્તીમાં અનેક પરિવારો વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલ છે. વરસાદી સીઝનમાં સલાયાના વહાણો વિદેશના ગલ્ફના દેશોમાંથી પરત ફરી અને સલાયા બંદરે લાંગરવામાં આવે છે.

જ્યાં ઓફ સીઝનમાં બે મહિના દરિયામાં જવાની પરવાનગી ન હોય ત્યારે વહાણોમાં સમારકામ અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે છે.

જ્યાર બાદ આ વહાણ સલાયાથી લીગલ પ્રોસિઝર પૂર્ણ કરી દરેક ખલાસી અને ટંડેલ વગેરેની ઇમિગ્રેશન પ્રક્રિયા કરી અને પોરબંદર,મુન્દ્રા જેવા મોટા બંદરેથી માલ ભરી અને ગલ્ફના દેશોમા વિદેશમાં માલ ભરીને જાય છે.આ માલવાહક વહાણોનું દેશના અર્થતંત્રમાં પણ ખૂબ મોટું યોગદાન હોઈ છે.

પરંતુ છેલા બે મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી અચાનક સલાયામાં થતી ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવાઈ અને વહાણવટીઓ માટે કપરો સમય ચાલુ થયો! જેબાદ અહીંની જુદી જુદી સંસ્થા તેમજ વહાણવટીઓ દ્વારા અનેક રજૂઆત છતાં આ વહાણોની ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. અહીંના વહાણવટા સાથે સબંધિત પ્રતિનિધિ મંડળો ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત માટે ગયા હોવાનું પણ જાણવા મળેલ છે. છતાં પણ હજુ માત્રને માત્ર સરકારી અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન મળતું રહે છે. પરંતુ ઇમિગ્રેશન પક્રિયા ચાલુ થઇ નથી.

હાલમાં સલાયામાં 40 થી 50 જેટલા માલવાહક વહાણો પૂર્ણ તૈયારી સાથે લાંગરેલ છે.જેમાં મોટી માત્રામાં રાશન તેમજ અન્ય જીવન જરૂરી તમામ વસ્તુઓ સાથે તૈયાર છે. પરંતુ ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ હોય માલ સાથે એમનેમ બંદરે લાંગરેલ પડ્યા છે.

આ શિવાય આ માલ વાહક વહાણો આ કારણોના લીધે બહાર જઈ શકતા ન હોય અહીંથી જે માલ વિદેશ મોકલવાનો હોય છે એ અન્ય વિદેશી કંપનીઓના મોટા શીપમાં કન્ટેનરમાં મોકલી આપવામાં આવે છે.

જેથી આપણા દેશને પણ મોટું આર્થિક નુકશાન જઈ રહ્યું છે. માટે આ બાબતે સરકારએ યોગ્ય નિર્ણય લઈ અને આ ઇમિગ્રેશનની પ્રક્રિયા તુરંત સલાયામાં ચાલુ કરવા માંગ કરાઈ છે.