ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે (૬ ડિસેમ્બર) ર્ંદ્ગય્ઝ્રના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં ગોથું ખાઈ હતી. જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ભરતીનું પાણી વધી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ર્ંદ્ગય્ઝ્રના ૨૩ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. અન્ય એક યુવક ગુમ છે.
દરિયા કાંઠે લંગારેલી બોટમાં શ્રમિકો બેસી રહ્યા હતા તે સમયે અચાનક જ ભરતીનું પાણી વધી ગયું હતું. જેથી બોટ એક તરફ નમી ગઈ હતી. બોટમાં બેઠેલા શ્રમિકોમાં અફરાતફરી મચી હતી અને બચવા માટે અનેક શ્રમિકો બોટના એક પડખા પર ઊભા રહી ગયા હતા. પણ વધારે પાણી ભરાઈ જવાના કારણે બોટે ૫ થી ૭ સેકન્ડમાં જ જળસમાધિ લઈ લીધી હતી.
આસરસા ગામ જંબુસરથી ૩૫ કિમીના અંતરે આવેલું છે અને તે જગ્યાએથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે. આંખના પલકારે બનેલી આ ઘટનામાં બોટ માલિક રોહિત ગણપત મકવાણાનું બોટ નીચે દબાઈ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૨૩ શ્રમિકોને બચાવી લઈ તેમણે તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક નરેશ અનોપ રાઠોડ હજુ પણ લાપતા છે.
જંબુસર નજીક અરબી સમુદ્રમાંથી ખનીજતેલ અને કુદરતી ગેસના સંશોધન માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની કામ કરી રહી છે. આ પ્રોજેકટમાં સર્વેની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાકટ સોંપવામાં આવ્યો છે. એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની ૧૯ બોટ ભાડેથી લીધી છે. જેમાંથી એક બોટ રોહિત ગણપત મકવાણાની હતી જે આજે દુર્ઘટનાનો શિકાર બની હતી.
મૃતક રોહિત મકવાણાના પુત્ર પ્રતીકે ઘટના અંગે જણાવ્યું કે પાણીની ભરતી આવી તે લીધે ૫૦થી ૬૦ લોકો બોટમાં ચઢી ગયાં હતા, જેથી બોટ પલટી જ ગઈ હતી. જેમાં મારા પિતાનું મોત થયું છે. એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી. માત્ર બે દિવસથી જ કામ શરૂ થયું છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા.

