ગોધરાના સાંપા રોડ પર આજે એક બેકાબૂ ઈકો કારે MGVCLની વીજ ડીપીને ટક્કર મારતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ અકસ્માતમાં વીજ પોલ તૂટી પડતા થ્રી-ફેસ લાઈન પર અસર થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૧૨ની ટીમ, ગોધરા ફાયર બ્રિગેડ અને MGVCLના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
સાંપા રોડ પર પવન ટ્રાન્સપોર્ટ સામેથી પસાર થઈ રહેલી ઈકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ધડાકાભેર વીજ ડીપી સાથે અથડાઈ હતી.
ટક્કરના કારણે વીજ પોલ તૂટીને હાઈટેન્શન વાયરો પર પડ્યો હતો, જેનાથી શોર્ટ સર્કિટ થયું અને ડીપી તેમજ આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી. રસ્તા પર અચાનક લાગેલી આગ જોઈને વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને તેને વધુ વિકરાળ બનતી અટકાવી હતી. અકસ્માતને કારણે વીજ લાઈનોને નુકસાન થતા સમગ્ર પંથકનો વીજ પુરવઠો સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો.

