જામનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લાના સિક્કા અને સિંગચ ગામોમાં આયોજિત કેમ્પમાં કુલ 210 ઊંટને ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આ ઝુંબેશના ભાગરૂપે, જામનગર પશુપાલન વિભાગની ટીમે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સિક્કા ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે સારવાર કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં 130 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી, જ્યારે 4 બીમાર પશુઓની પણ સારવાર કરાઈ હતી.

પશુ રોગ અન્વેષણ એકમ, જામનગર દ્વારા આ કેમ્પ દરમિયાન પશુઓમાંથી બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના વિવિધ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રોગના નિદાન અને વધુ તપાસ માટે લેવામાં આવ્યા હતા.
આ ઝુંબેશને આગળ વધારતા, પશુપાલન વિભાગ, જામનગર હસ્તકની લાલપુર પશુપાલન શાખાની ટીમે 15 ડિસેમ્બર, 2025ના રોજ લાલપુર તાલુકાના સિંગચ ખાતે પણ સમાન કેમ્પનું આયોજન કર્યું હતું.

સિંગચ કેમ્પમાં લાલપુર પશુપાલન ટીમે 80 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપી હતી, તેમજ 5 બીમાર ઊંટની સારવાર કરી હતી. અહીં પણ પશુઓની આંતરિક બીમારીઓ, ચામડીના રોગ અને સરાની તપાસ માટે પશુ રોગ અન્વેષણ એકમ દ્વારા બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના નમૂના લેવામાં આવ્યા હતા.

