ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. કેટલાક દિવસ તાપમાનનો પારો વધી જતાં ગરમીનો અનુભવ થાય છે. તો કેટલાક દિવસ તાપમાન ઘટી જતાં ઠંડીનો અનુભવ થાય છે. ત્યારે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેથી ફરી એકવાર ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યુ છે.
ફરી એકવાર ગરમીનો અનુભવ થશે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈ હતી. જેથી ગુજરાત પ્રદેશમાં ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા હતા જેને કારણે 24 જ કલાકમાં એકાએક ગુજરાતનું તાપમાન ઘટ્યું હતું, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવાની શક્યતાઓ છે. એટલે કે ફરી એક વખત ગરમીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે.
મહત્તમ તાપમાન વધ્યું અને લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું ગુજરાતવાસીઓએ ગત રાત્રિએ એકાએક ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ખાસ કરીને ઉત્તર મહત્તમ તાપમાન વધ્યું હતું અને લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું હતું, પરંતુ 24 કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો અને ગત રાત્રિ દરમિયાન અમદાવાદમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. જેમાં ડીસા અને ગાંધીનગરમાં અનુક્રમે 10.9 અને 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મહત્વનું છે કે, મધ્ય ગુજરાતના ભાગમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 13.4 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.