ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાતા ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગોના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જ્યારે લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો વધારો નોંધાયો છે.
એકાએક લઘુતમ તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત વાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે.
નલિયાનું લઘુતમ તાપમાન 3 ડિગ્રી વઘ્યું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે.
ગતરોજ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ તાપમાનમાં ઉતાર ચડાવ આવી રહ્યો હતો. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જ્યારે રાજકોટમાં લઘુતમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તથા ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.