Gujarat

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી; સદનસીબે કોઈ જાનહાની નથી થવા પામી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક પોળમાં વધુ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ શહેરમાં આવેલા હજારો ભયજનક અને જર્જરિત મકાનોના મુદ્દાને ઉજાગર કર્યો છે.

શહેરના અનેક જૂના વિસ્તારો, ખાસ કરીને પોળમાં આવેલા મકાનોની હાલત અત્યંત દયનીય છે. ચોમાસાની ઋતુમાં આવા મકાનો જાેખમરૂપ બની જાય છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ મકાનોને ખાલી કરાવવા કે સમારકામ કરાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. કાલુપુરની આ ઘટના એ દર્શાવે છે કે શહેરીજનોના જીવ જાેખમમાં છે અને તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરીને સંતોષ માની રહ્યું છે.

આવા ભયજનક મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને ભયજનક મકાનોને નોટિસ આપીને ખાલી કરાવવા જાેઈએ. જાે તંત્ર હજી પણ નિષ્ક્રિય રહેશે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેની જવાબદારી સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે. જાગૃત પોળની આ ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ છે. જાે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો નિર્દોષ લોકોએ તેનો ભોગ બનવું પડશે.