ઠગબાજો હવે છેતરપિંડી કરવા માટે સીધા દિલ્હી અને પીએમ ઓફિસના નામે લોકોને શિકાર બનાવી રહ્યા છે. સુરતના વેલંજા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગઠિયાએ મહિલાને સરકારી સ્કીમમાં રોકાણ કરી 2 કરોડની લાલચ આપી કુલ 28.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ એવો દાવો કર્યો હતો કે, વડાપ્રધાનના પીએ નિવૃત્ત થવાના છે અને તે જગ્યાએ તેની નિમણૂક થવાની છે.
સંબંધોનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો વેલંજાના ઉમરા ગામે રહેતા 45 વર્ષીય ભાવનાબેન નાકરાણીની દીકરી અને આરોપી અશોક ધીરૂ દેસાઈનો પુત્ર શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધો હોવાથી બંને પરિવારો એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. આ પારિવારિક સંબંધોનો ગેરફાયદો ઉઠાવી અશોક દેસાઈએ છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું.
2 કરોડની લાલચ અને PMOમાં હોદ્દાનો ખોટો દાવો બે વર્ષ પહેલા અશોક દેસાઈએ ભાવનાબેનના ઘરે આવીને તેમને સરકારી સ્કીમમાં રોકાણ કરવા સમજાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, “સરકારી સ્કીમમાં રૂપિયા ભરો એટલે સીધા દિલ્હી પીએમ સાહેબની ઓફિસમાંથી 2 કરોડ રૂપિયા મળશે.સાહેબની ઓફિસમાંથી તેમના પીએ રિટાયર્ડ થશે એટલે મારે ત્યાં બેસવાનું છે.” આ વાતોમાં આવીને મહિલાએ વિશ્વાસ મૂક્યો અને ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન ટુકડે-ટુકડે 14 લાખ રૂપિયા આપ્યા હતા.
બાદમાં વધુ વળતરની લાલચ આપી ઠગે કુલ રકમ 28.20 લાખ સુધી પહોંચાડી દીધી હતી.જ્યારે ભાવનાબેને રોકાણની રસીદ અથવા સ્કીમની માહિતી માંગી, ત્યારે આરોપી વાયદા કરવા લાગ્યો હતો. છેવટે “હું દિલ્હી જાવ છું” તેમ કહીને અશોક દેસાઈએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે ઘરેથી પણ ફરાર થઈ ગયો છે.

