Gujarat

અમદાવાદ-મુંબઈ હાઈવે પર થતાં ટ્રાફિકને ધ્યાની રાખી દુમાડ ચોકડી પરના દબાણો દુર કરાયા

વડોદરા કોર્પોરેશન, હાઇવે ઓથોરિટી અને શહેર પોલીસ તંત્ર દ્વારા શહેર બહારથી પસાર થતાં હાઇવેની આજુબાજુ અને ચોકડીઓ ઉપરના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે (31 જુલાઈ) દુમાડ ચોકડી ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં એક મહિલાએ પોતાની લારી બચાવવા ભારે ધમપછાડા કર્યા હતા.

જોકે, મહિલા પોલીસે પકડી રાખતા દબાણ શાખાએ લારી જમા કરી લીધી હતી. અમદાવાદ-મુંબઈ હાઈવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે‌.

ત્યારે શહેરના દુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખા, શહેર પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સાથે આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ કામગીરી દરમિયાન લારી ધારક સવિતાબેને પોતાની લારી બચાવવા ભારે હોબાળો મચાવ્યો હતો. સવિતાબેને પોતાની લારીને પકડી રાખી હતી, પરંતુ મહિલા પોલીસે સવિતાબેનને પકડી રાખતા તૈનાત દબાણ શાખાની ટીમે લારી ઉઠાવી ટેમ્પોમાં મૂકી દીધી હતી. સવિતાબેન રોકકળ સાથે લારી ન લઇ જવા માટે બૂમો પાડતા રહ્યા છતાં તંત્ર દ્વારા કોઇપણ જાતની હમદર્દી બતાવી ન હતી.

આ ઉપરાંત હાઇવે ઉપર આડેધડ કરવામાં આવેલા વાહન માલિકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હાઇવે પર પણ આડેધડ થતા વાહન પાર્ક બાબતે હાઈવે ઓથોરિટીએ કાર્યવાહી હાથ ધરી હતી.

પાલિકાની દબાણ શાખાએ ગેરકાયદે દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. આ કામગીરી સમયે એકત્ર થયેલા ટોળાને પોલીસ કાફલાએ ખદેડી દીધા હતા.