આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, ત્યારે જૂનાગઢ શહેરની અનેક સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઝાંઝરડા રોડ પર વોર્ડ નંબર 7 ની જીવનધારા સોસાયટીના રહીશો એકઠા થઈ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો હતો અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો માત્ર ચૂંટણી આવતા મત માગવા આવે છે તેવા આક્ષેપો કર્યા હતા. રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધા ના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બીજી તરફ જીવનધારા સોસાયટીમાં રોડ એટલી હદે ખરાબ બન્યા છે કે દર્દીને ઇમર્જન્સી સમયે હોસ્પિટલ લઈ જવામાં તેમજ બાળકોને સ્કૂલે લેવા મુકવા અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારના કોર્પોરેટર છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય પણ આ વિસ્તારમાં આવ્યા જ નથી જેના કારણે લોકો આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરી અને અસુવિધાનો જવાબ આપશે.
‘આ વખતે ચૂંટણીમાં મતદાન કરવું જ નથી’ વોર્ડ નંબર 7ના જીવનધારામાં રહેતા ભાનુબેને જણાવ્યું હતું કે, મારા પતિ હાલ પથારીમાં ઘરે સારવાર હેઠળ છે, જેને હોસ્પિટલ લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે આ રોડ પરથી એમ્બ્યુલન્સ ચાલી શકતી નથી. આ વખતે ચૂંટણીમાં મતદાન કરવું જ નથી. બધી બહેનોને કહી દીધું છે કે આ વખતે કોઈપણ ચૂંટણી સમયે મતદાન કરવા જશો નહીં.
કદાચ મને પાંચ લાખ રૂપિયા આપશે તો પણ હું મતદાન કરવા જવાની નથી. કારણ કે કોર્પોરેટરો ચૂંટાયા પછી આ વિસ્તારમાં દેખાતા જ નથી. આ વોર્ડના કોર્પોરેટર હિમાંશુભાઈ કે ડો. સીમાબેન પીપળીયા કે અન્ય બે કોર્પોરેટરો ક્યારેય પણ આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નોને સાંભળવા આવ્યા નથી.