જિલ્લાના ધારી-ખાંભા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખીચા અને દેવળા ગામ વચ્ચે કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી જાેરદાર ટક્કરમાં એક માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ૫ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માત અંગે મીડિયા સુત્રો મામલે મળતી માહિતી મુજબ, આ પરિવાર મૂળ જૂનાગઢનો રહેવાસી છે. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે ધારી પંથકમાં આવ્યા હતા. ભક્તિભાવ સાથે નીકળેલા આ પરિવારની ખુશીઓ માર્ગમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ખીચા અને દેવળા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

