વિસાવદર બેઠક પર ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાની જીત બાદ હવે આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લામાં આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચૂંટણી જીતવા માટેની રણનીતિ ઘડવાની સાથે ગોપાલ ઇટાલિયાએ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અને સહકારી ક્ષેત્રમાં ચાલતા કૌભાંડો મુદ્દે કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જૂનાગઢ જિલ્લામાં ભાજપના માણસોએ એપીએમસી, ખરીદ વેચાણ સંઘ અને સહકારી બેંકો પર કબજો કરવા માટે નકલી મંડળીઓ ઉભી કરી છે. અમે આવી 25 જેટલી ગેરકાયદેસર અને નકલી મંડળીઓના નામ, ફોટા અને દસ્તાવેજી પુરાવા કલેક્ટરને સોંપ્યા છે. વિસાવદરથી અમે આ લડત શરૂ કરી છે અને હવે આખા ગુજરાતમાં જનતાને જાગૃત કરીશું.
મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઇટાલિયાએ પ્રહારો કરતા કહ્યું કે, ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી, પરંતુ વચેટિયાઓ અને માફિયાઓ કમાઈ રહ્યા છે. અન્ય રાજ્યોની નબળી ગુણવત્તાની મગફળી લાવીને ગુજરાતના સેન્ટરોમાં ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે. આ એક બહુ મોટું કૌભાંડ છે અને આ મામલે સરકાર તાત્કાલિક દલાલો પર લગામ લગાવે તેવી અમારી માંગ છે.

