Gujarat

જગડીયા ડેમનું પાણી પશુઓ પણ પીતા નથી, લોકોને બીમારીનો ભય

અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્રણ વર્ષ પહેલાં રસલીયા લાઈન દ્વારા શુદ્ધ પાણી મળતું હતું. હાલમાં જગડીયા ડેમમાંથી આવતું પાણી પીવાલાયક નથી. જગડીયા ડેમમાં વરસાદ પછી માત્ર બે મહિના સુધી જ પાણી શુદ્ધ રહે છે.

ત્યારબાદ પાણી ખારું થઈ જાય છે. આ દૂષિત પાણીથી લોકોને ઝાડા, ઉલ્ટી અને તાવ જેવી બીમારીઓ થાય છે. સ્થાનિક પશુઓ પણ આ પાણી પીવાનું ટાળે છે.

જગડીયા, ગોયલા, મોખરા, ઐડા, સધીરાવાઢ અને વલસરા વિસ્તારના લોકોની માંગ છે કે ફરીથી રસલીયાના બોરમાંથી પાણી પૂરું પાડવામાં આવે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

પાણી દર બે-ત્રણ દિવસે આવે છે, તે પણ દૂષિત આવે છે. સ્થાનિક રહીશોએ ચેતવણી આપી છે કે જો દૂષિત પાણીથી કોઈ ગંભીર બનાવ બનશે તો તેની જવાબદારી પાણી પુરવઠા વિભાગની રહેશે. આગામી ઉનાળામાં આકરી ગરમીમાં પાણી વગર લોકો અને પશુઓની સ્થિતિ વધુ કપરી બનશે.