જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જામનગર જિલ્લામાં ચાલતા દારૂ અને ડ્રગ્સના વેપલાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી.

જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવાની રજૂઆત કરી હતી. પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાની હેઠળ, કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિવિધ દુષણો ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂ, ગાંજા અને ડ્રગ્સ જેવા દુષણો વધી રહ્યા છે, અને સંબંધિત અધિકારીઓની કથિત મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ આવા હાટડા ધમધમી રહ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે તેમનો વિરોધ થઈ રહ્યો હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું.

