Gujarat

જામનગર SP પ્રેમસુખ ડેલૂએ પરિવાર સાથે પતંગ ચગાવ્યો, પતંગ મહોત્સવમાં પોલીસ પરિવાર જોડાયો

જામનગરમાં ઉતરાયણના પાવન પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે અનોખી રીતે સાયબર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ તેમના પરિવાર સાથે પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ડીવાયએસપી જે.વી.ઝાલા, રાજેન્દ્ર દેવધા સહિત LCB અને SOG ના પી.આઈ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા.

પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડીજે સાઉન્ડ સિસ્ટમના તાલે યુવાનો અને યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આકાશમાં રંગબેરંગી પતંગો અને બલૂન્સથી આકર્ષક નજારો સર્જાયો હતો.

શહેરભરમાં પણ ઉતરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. ટેરેસ પરથી ઊંચી ચીચિયારીઓ સાથે પતંગ રસિયાઓએ આકાશમાં પતંગોની રમઝટ બોલાવી હતી.

યુવા વર્ગે ગીત-સંગીત સાથે પતંગની મોજ માણી હતી. આ રીતે સમગ્ર જામનગરમાં ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.