પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બાઈક અને દાગીના મળી કુલ રૂ.૧.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે
જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રાજકોટના બે સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ચોરાઉ બાઈક, સોના ચાંદીના દાગીના સહિત ૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના જૂના રાજકોટ રોડ દાતાર તકીયા સામેની ગલીમાં બંધ મકાનમાં ગઈ તા.૨૧/૧૦/૨૪ થી તા.૨૩/૧૦/૨૪ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઇસમે આ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, કબાટની તીજોરીમાંથી સોનાના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયા ૪૭,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ.૮,૧૪,૫૭૦ ચોરી કરી હતી. આ અંગે અજાણ્યા આરોપીઓ વિરૂદ્ધ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ગુનો દાખલ થયેલ હતો.જેમાં જુદી જુદી ટીમોએ ગુનો શોધી કાઢવા અલગ અલગ દીશામાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી ખાનગી રાહે મળેલ હકીકત આધારે જેતપુર, નવાગઢ, જુના પશુ દવાખાના પાસેથી ચોરીમાં ઉપયોગ કરેલ બાઈક સાથે બે શખ્સને ઝડપી લેવાયા હતા. આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપીઓએ આ સિવાય જેતપુર સિટી પોલીસના જેતપુર, અમરનગર રોડ ઉપર વેકરીયા નગર ખાતે ચોરી કરેલની કબુલાત આપેલ હતી.
ચોરીનો માલ રાજકોટ ખાતે એક સોનીને આપેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી તાત્કાલીક સોનીની ઘરપકડ કરી તેની પાસેથી એક સોનાનો ઢાળીયો (લગડી) વજન ૧૫.૨૮૦ ગ્રામ કિ.રૂ.૧,૦૫,૦૦૦ કબજે કરી, ત્રણેય ઈસમના રીમાન્ડ લેવા તજવીજ કરેલ હતી.
પકડાયેલ આરોપીઓમાં અલ્ફાઝ ઉર્ફે ભોલો યુનુસભાઈ ભટ્ટી, સુરેશ ઉર્ફે સુરો અશોકભાઈ ગાવડીયા રાજેશ ઉર્ફે રાજુ રમેશ ભટીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશ સામે અગાઉ રાજકોટ, ભાવનગર, મોરબી, ભરૂચ, અમદાવાદ ગ્રામ્ય સાણંદ, જેતપુર સિટી પોલીસ મથકે ચોરી, હત્યા સહિતના મળી ૯ ગુના નોંધાયેલ છે.જ્યારે રાજકોટના સોની વેપારી રાજુ સામે રાજકોટમાં ચોરી, છેતરપીંડીના બે ગુના છે. આરોપીઓ રેકી કરી બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, દોઢ ફૂટની મોટી ડીસમીસ, એક લોખંડનો આશરે સવા ફુટનો સળીયો (ગણેશીયુ), ચાંદીના પાટલા નંગ-૨, ચાંદીના સીક્કા નંગ-૨, ચાંદીના સાંકળાની જોડી નંગ-૨, એક ચાંદીની જાંજરી જોડી નંગ-૧, એક સોનાનો ઢાળીયો (લગડી) જેનું વજન ૧૫.૨૮૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

