Gujarat

માંડવી વિસ્તારમાં કાકરાપાર જમણાં કાંઠા નહેરની કોન્ક્રિટ કામગીરીમાં ઠેર ઠેર ગાબડા

માંડવીના ઉશ્કેર નજીક ધરમપુર ગામની સીમમાં થયેલા મોટા ધોવાણથી હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો છે. એટલું જ નહીં પરંતુ ઘણી જગ્યાએ કોન્ક્રીટ કામગીરીમાં થયેલા ધોવાણ બાબતે સિંચાઈ વિભાગની નિષ્ક્રિયતાના લીધે લોકો ચિંતાતુર બન્યા છે.

કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણથી ખેડૂતો તથા સ્થાનિક રહીશોના જીવો પણ જાણે પડીકે બંધાયા હતા. અને વર્ષો જુના સ્ટ્રક્ચર ના કારણે દુર્ઘટનાઓ બનવાની વારંવાર રજૂઆતો થતી હોવા છતાં પણ કોઈ નક્કર પગલા લેવાતા નથી જેના લીધે અગાઉ પણ માંડવી તાલુકામાં નહેરમાં ભંગાણ પડવાની ઘટનાઓ બની છે અને હજી પણ ભંગાણની ઘટના બનવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી કેમકે જે જગ્યાએ ધોવાણ થયું ત્યાંથી તડકેશ્વર સુધીના ત્રણ કિલોમીટરના અંતરે ઠેર ઠેર નહેરની કોન્ક્રીટ કામગીરીનું પણ થયેલું ધોવાણ જોવા મળી રહ્યું છે આવા કોન્ક્રીટ કામગીરીના ધોવાણ પ્રત્યેની બેદરકારીથી ફરી પાછી નહેરમાં ભંગાણ પડવાની દહેશત રહી છે.

હાલમાં કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાર ની જગ્યાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ ની અવરજવર થતી હોય છે છતાં પણ તંત્ર દ્વારા આવી ગંભીર સ્થિતિઓ બાબતે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે જેના લીધે ફરી પાછું ધોવાણ થવાની શક્યતાઓ રહી છે ત્યારે સિંચાઈ વિભાગ નહેરમાં થયેલા કોન્ક્રીટ ધોવાણની મરામત કરવામાં આવે એવી લોક માગ ઉઠી છે.