Gujarat

કેદાર જે ગટરમાં પડ્યો ત્યાંથી 900 મીટર દૂર લોકો જીવના જોખમે ખાડી ઓળંગવા મજબૂર

વરિયાવમાં માસૂમ કેદાર જે ગટરમાં ખાબક્યો હતો તે સ્થળેથી માંડ 900 મીટર દૂર રિવન્ટા રિવર વ્યૂ પાસેની ખાડી પર પાલિકાએ 48 લાખ રૂપિયાના ખર્ચે કલવર્ટ બ્રિજ તો બનાવ્યો પરંતુ બોક્સ સ્ટ્રકચરને વેડ-વરિયાવ બ્રિજ અને શીતલ રેસીડન્સી માર્ગ સાથે જોડવા અપ-ડાઉન એપ્રોચ રોડ જ ન બનતાં લોકોને અઢી કીમીનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે.

સંખ્યાબંધ લોકો ચકરાવાથી બચવા જીવના જોખમે ખાડી પાસેથી પસાર થઈ રહ્યા છે. આ પાતળી દીવાદાંડી જેવી ઢાળ પર લાઇનબંધ પસાર થતાં વાહનો જો સ્લીપ થાય ચાલક ખુલ્લી ખાડીમાં પડી તણાઇ જવાની સતત ભીતિ છે.

છતાં રાંદેર ઝોનના ડ્રેનેજ અને રોડ વિભાગ કલવર્ટ બોક્સ અને તેનાં એપ્રોચ રોડની અધૂરી કામગીરી માટે છેલ્લા 2 મહિનાથી ખો-ખોની રમત રમી રહ્યા હોવાથી વિસ્તારના સેંકડો લોકો પરેશાન છે.