Gujarat

વડોદરાના સાવલીમાં ઘન કચરામાં મોડી રાત્રે આગ લાગી, દુર્ગંધયુક્ત ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ

જિલ્લાના સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘન કચરામાં આગ લાગતાં દુર્ગંધયુક્ત ધુમાડાનાં ગોટે ગોટા હવામાં ભળતાં સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગ લાગતાં તુરતજ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ઘન કચરો ન ઠાલવવા અનેક વખત રજૂઆતો કરવા છતાં સત્તાધિશો સાંભળતા નથી.

કચરામાં મહિનામાં એક-બે વખત આગ લાગે છે સાવલી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ ડોર ટુ ડોર ઘન કચરો ભેગો કરી નગરના છેવાડે ભાટપુરા ચોકડી પાસે એકઠો કરવામાં આવે છે. આ કચરાના ઢગલામાં મહિનામાં એક-બે વખત રહસ્યમય આગ લાગે છે. મોડી રાત્રે આ કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા હતા. આગના આ બનાવની જાણ સાવલી નગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરતજ લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

જોકે, આગ લાગ્યા બાદ દુર્ગંધ મારતા ધુમાડાના કારણે નજીકનાં રહેણાંક વિસ્તારમાં લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું હતું. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેમાં ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉમરના લોકોને રાત પસાર કરવી મુશ્કેલ થઇ ગઇ હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.

મોડી રાત્રે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાયઃ ગીરીશભાઇ સ્થાનિક ગીરીશભાઇ પરમાર સહિત લોકોએ જણાવ્યું હતું કે, સાવલી નગરમાંથી એકઠો થતો કચરો ભાટપુરા ચોકડી પાસે ઠાલવવામાં આવે છે. મોડી રાત્રે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાય છે. લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. અવારનવાર આગની ઘટના બને છે. આ આગ આપમેળે નહીં પરંતુ, લગાવવામાં આવી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.