Gujarat

ધ્રોલમાં LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો, રૂ. 4.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

જામનગર LCB પોલીસે ધ્રોલ તાલુકાના ખાખરાગામ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,50,600/- ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.

ખાનગી બાતમીના આધારે, LCB સ્ટાફે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયાથી ખાખરાગામ તરફ જતા રોડ પર આવેલી નર્સરી પાસેથી GJ-12 CG 7160 નંબરની XUV કારને અટકાવી હતી. કારમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 112 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,45,600/- થાય છે.

પોલીસે જામનગરના રામેશ્વરનગર, શાંતિનગર શેરી નંબર-6 માં રહેતા રવીરાજસિંહ દાદુભા ચૌહાણની ધરપકડ કરી હતી. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 5,000/- નો એક મોબાઇલ ફોન અને રૂ. 3,00,000/- ની XUV કાર પણ જપ્ત કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવતા, ASI દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દારૂનો જથ્થો મંગાવનાર ધ્રોલ તાલુકાના ખાખરાગામના મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા અને દારૂ સપ્લાય કરનાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ભાભલુભાઈ કાઠીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.