પાક નિષ્ફળતા મુદ્દે ઈસુદાન ગઢવીનો સરકારને આહ્વાન – “ખેડૂતોને ખોટા લોલીપોપ નહિ, વાસ્તવિક સહાય આપો”
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા ઈસુદાન ગઢવી, પક્ષના આગેવાન દેવેન્દ્રભાઈ સોલંકી તેમજ ગામના અગ્રણીઓ જસુભાઈ, ગિરીશભાઈ , પ્રવીણભાઈ માનસિંગભાઈ , પ્રતાપભાઈ સહિતના કાર્યકર્તાઓએ ખેડૂતોની મુલાકાત લીધી હતી.
તાજેતરના અતિ વરસાદ અને કમોસમી વાતાવરણના કારણે ધામળેજ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈસુદાન ગઢવીએ ખેડૂતો સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, “આ ચોમાસાનો પાક તો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. હજી સુધી જમીનમાં પાણી ભરાયેલા હોવાથી શિયાળાનો પાક પણ વાવી શકાય તેવી સ્થિતિ નથી. આવતા વર્ષે મગફળીનું બિયારણ મેળવવામાં પણ મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે.”

તેમણે આગળ સરકારને સંબોધતાં જણાવ્યું કે, માત્ર સર્વેના “ખોટા લોલીપોપ” આપવાના બદલે ખેડૂતોને વાસ્તવિક મદદ મળી રહે તે જરૂરી છે. ઈસુદાન ગઢવીએ સરકારને વિનંતી કરી કે,
“ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી અથવા તો તેમનું દેવું માફ કરવું જોઈએ, અથવા તો પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું ₹૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે જેથી આ મહામુસીબતમાંથી ખેડૂતોને રાહત મળી શકે.”
આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ અંગે સરકાર સુધી અવાજ પહોંચાડવાની માંગ સાથે આ મુલાકાત સંપન્ન થઈ હતી.
રિપોર્ટર પરેશ લશ્કરી

