Gujarat

લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી, બર્ફીલા પવનથી જનજીવન પ્રભાવિત

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.

બર્ફીલા પવનના કારણે લોકો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા ગેસ હીટર અને સગડીનો આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને શ્રમિક પરિવારો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાયો હોવા છતાં, શીત લહેર અને ઠંડા પવનના કારણે લોકોને ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોલ્ડવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.