કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વ્હારે આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યોએ સંકલનની બેઠકમાં એક સૂરે વધાવી છે.
કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં પૂછાયેલા એક પ્રશ્નમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલા જવાબના પ્રતિસાદમાં આ રાહત પેકેજની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં ખેડૂતોને આટલી મોટી સહાય ક્યારેય ન મળી કલેક્ટર ડો.અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કૃષિ રાહત પેકેજ વિતરણ સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં હવે માત્ર 700 જેટલી જ અરજીઓ મંજૂર કરવાની બાકી હોવાનું જણાવાયું હતું.
અંદાજે રૂ. 240 કરોડ ખેડૂતોને મળવાપાત્ર છે, એમાંથી મોટાભાગના મળી ચૂક્યા છે. જે બાદ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, અક્ષયભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ચૈતન્યસિંહ ઝાલાએ એક સૂરે મુખ્યમંત્રીના કૃષિ રાહત પેકેજ અંતર્ગત વડોદરા જિલ્લામાં થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને ભૂતકાળમાં ખેડૂતોને આટલી મોટી સહાય ક્યારેય ન મળી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં અનેક જુદા-જુદા વિષયો પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં માર્ગો, પાણી, કેનાલ સફાઇ, વીજળી, રેલ્વે, દબાણો, ટ્રાફિક સહિતના વિષયો અંગે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને તેના નિકાલ માટે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની આજની બેઠકમાં સાંસદ હેમાંગભાઇ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ચેરમેન મથુરભાઇ રાઠોડિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

