જામનગર સહિત સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પાંચ હજારથી વધુ જામનગરવાસીઓએ ભાગ લીધો હતો.

“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ યોજાયેલી આ યાત્રા રણમલ તળાવના ગેટ નં. 1થી શરૂ થઈ હતી.

યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો જોડાયા હતા. શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો.

યાત્રા શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. અહીં મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

યાત્રા દરમિયાન મણિયારો રાસ અને પ્રાચીન-અર્વાચીન ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય રિવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.