Gujarat

જામનગર જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, 550થી વધુ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી

જામનગર જિલ્લા જેલમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંદ 550થી વધુ કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. આ પ્રસંગે જેલ પરિસરમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

જેલ પ્રશાસન દ્વારા આ તહેવારની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલ અધિકારી બલભદ્રસિંહ રાયજાદા અને સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો

બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી, કુમકુમ તિલક કર્યા અને મીઠાઈ આપી હતી. આ સમયે બહેનોએ પોતાના કેદી ભાઈઓની જલ્દી મુક્તિ માટે પ્રાર્થના પણ કરી હતી. જેલ પ્રશાસને ટેબલ, રાખડીઓ, મીઠાઈ અને કુમકુમની વ્યવસ્થા કરી હતી જેથી કોઈ પણ બહેન તેના ભાઈને રાખડી બાંધવાથી વંચિત ન રહે.

જેલની બહાર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સ્ટાફ દ્વારા બહેનોને ક્રમાનુસાર અંદર લઈ જવામાં આવતી હતી. આ રીતે જેલમાં બંદ કેદીઓ પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શક્યા હતા અને તેમના પરિવાર સાથે થોડો સમય વિતાવી શક્યા હતા.