Gujarat

સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ, 15 જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે

ગાંધીનગરમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં સવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરના સમયે સૂર્યનો આકરો તડકો ગરમીનો અહેસાસ કરાવે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રે તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળામાં માવઠાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી ઉત્તરાયણમાં સારો પવન રહેવાની શક્યતા છે, જેની ગતિ 6થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે શુષ્ક વાતાવરણની આગાહી કરી છે. 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.