વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલો ઈન્ડિયા’ અને ભારતને રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પને વેગ આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે ‘પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025’ ના ફિનાલેનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય શ્રમ-રોજગાર અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ શક્તિના પ્રતીક સમાન ‘ગદા’ લહેરાવીને આ રમત કુંભને ખુલ્લો મુક્યો હતો. આ તકે ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

40 હજાર રમતવીરોએ નોંધણી કરાવી આ ખેલ મહોત્સવની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પોરબંદર લોકસભા હેઠળ આવતી સાતેય વિધાનસભા (કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ અને જેતપુર) માંથી અંદાજે 30,000 થી 40,000 જેટલા રમતવીરોએ નોંધણી કરાવી હતી.

ફિનાલેના જંગમાં 1800 ખેલાડીઓની પસંદગી પ્રાથમિક તબક્કાની સ્પર્ધાઓ બાદ હવે ફિનાલેના જંગમાં 1800 જેટલા ખેલાડીઓ પસંદ થયા છે. આ મહોત્સવમાં વયની કોઈ મર્યાદા આડે આવી નથી. અહીં 12 વર્ષના બાળકોથી લઈને 82 વર્ષના વૃદ્ધો પણ રમતગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. કબડ્ડી, ખો-ખો, કુસ્તી, રસ્સાખેંચ, એથ્લેટિક્સ અને યોગા જેવી પરંપરાગત અને આધુનિક રમતોમાં રમતવીરો જોર અજમાવી રહ્યા છે.

ખેલ એ જીવનશૈલી છે: મનસુખ માંડવીયા ખેલાડીઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, “PM મોદીની પ્રેરણાથી દેશના 290થી વધુ સાંસદોએ આ પ્રકારના આયોજન કર્યા છે, જેમાં સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાયા છે. પોરબંદર લોકસભામાં જ 38,000 થી વધુ યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે ગૌરવની વાત છે.

સ્પોર્ટ્સમાં કોઈ હારતું નથી, કાં તો જીતે છે અથવા તો શીખે છે. રમત એ માત્ર સ્પર્ધા નથી પણ એક જીવનશૈલી અને સંસ્કૃતિ છે.” ભારત 2036 માં ઓલિમ્પિકનું આયોજન કરવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે અને આવા સ્થાનિક સ્તરના મહોત્સવ જ ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરશે.

