તબીબી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિતાશયમાં ૧૫ mmની પથરી અને સાથે સાથે ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લીધે માસિકનો પ્રવાહ પણ વધારે હતો.આ દર્દીને લૅપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમિ (પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન) અને લૅપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમિ (ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન) એવા બે અલગ અલગ ઓપરેશનની જરૂરિયાત હતી. સામાન્ય રીતે આ બંને ઓપરેશન અલગ અલગ કરવામાં આવતા હોય છે.પરંતુ આરોગ્ય મંદિરની ડોક્ટર શ્રીઓની ટીમ દર્દીનારાયણને ઓછામાં ઓછી તકલીફ સાથે ઉચ્ચતમ સારવાર કઈ રીતે મળે તે માટેના નિરંતર પ્રયાસોમાં સતત કાર્યરત હોય છે.
તે અંતર્ગત આરોગ્યમંદિરના સુપ્રસિદ્ધ જનરલ સર્જન ડો. પ્રકાશ પટેલ તથા અહીંના કુશળ ગાયનેકોલોજિસ્ટ ડો. હેતવી પટેલ બંને ડોક્ટરશ્રીઓએ મંત્રણા કરી દર્દીને સમજાવી આજરોજ એક જ ઓપરેશન સત્રમાં બે મુખ્ય લેપ્રોસ્કોપિક ઓપરેશનો એકસાથે સફળતાપૂર્વક પાર પાડયા.જે બાબત તબીબી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ઓપરેશન દરમિયાન આરોગ્ય મંદિરની સર્જીકલ ટીમ તથા એનેસ્થેસિયા ટીમનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે.
આ બંને ઓપરેશન અલગ-અલગ પણ કરી શકાય, પરંતુ એક સાથે કરવાની પદ્ધતિ વધુ ફાયદાકારક સાબિત થઈ છે. બંને શસ્ત્રક્રિયાઓ એક જ વખતે થવાના કારણે દર્દીને બે અલગ-અલગ ઓપરેશન કરાવવાની જરૂરિયાત ન રહી, એનસ્થેશિયાનો એક વખત જ ઉપયોગ કરાયો, અને સારવારની કુલ પ્રક્રિયા ઝડપી અને અસરકારક બની.
દર્દી માટે કેટલાં ફાયદા?
ઓછી તકલીફ-એક જ ઓપરેશન થવાથી બે વાર સારવાર લેવાની જરૂર ન પડી.
તીવ્ર પીડા અને જોખમ ઓછું લૅપ્રોસ્કોપિક પદ્ધતિને કારણે દર્દીને ઓછી પીડા થાય છે અને મોટી કટ લગાવવાની જરૂરિયાત ન રહે.
જલદી સાજા થવાની શક્યતા: હૉસ્પિટલમાં ઓછા દિવસો માટે રહેવું પડે છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા,અતિ આધુનિક અને શ્રેષ્ઠ તબીબી સેવા માટે જાણીતું છે. અહીં કુશળ અને અનુભવી તબીબી સ્ટાફ તથા આધુનિક તબીબી સાધનોની ઉપલબ્ધિ હોવાથી દર્દીઓ માટે ઉત્તમ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ સતત નવી તબીબી તકનીકો અપનાવી રહી છે જેથી દર્દીઓને શ્રેષ્ઠ અને નિશુલ્ક સારવાર મળી રહે.આ મહિલા દર્દીએ પણ ઝડપી સાજા થવાનો અનુભવ કર્યો. આવનારા સમયમાં પણ હોસ્પિટલ નિરંતર નવી તબીબી સિદ્ધિઓ હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને વધુને વધુ દર્દી નારાયણને આરોગ્ય સેવાનો લાભ વિનમ્રતાપૂર્વક આપવા માટે સતત કાર્યરત રહેશે તેવું અહીંના કુશળ વહીવટકર્તા મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા

