Gujarat

નડિયાદ ટીપી 8માં 6 દબાણો હટાવી 2 કિમીનો માર્ગ સમથળ કરવાનું શરુ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોને વેગ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિકો સાથે ઘર્ષણની સ્થિતિ બાદ તેમને સમજાવીને ત્રણ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

ત્યારે શુક્રવારે શહેરના ડી માર્ટથી પીપલગ તરફ જતા રોડ પરના 6 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમજ 2 કિમીની રોડ સમથળ કરાયો હતો.

મહાનગરપાલિકા દ્વારા 36 મીટર પહોળા રીંગરોડના નિર્માણ કાર્ય માટે હાલમાં અલગ અલગ ટીપીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુંદરકુઈમાં અને શુક્રવારે શહેરના ડિમાર્ટ થી પીપલક તરફ જતા માર્ગ ઉપર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અરમાન પાર્કની બાજુમાં માર્કિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. અહીં તંત્ર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવવાની હોવાથી હાલમાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.