પ્રાકૃતિક ખેતી બની પ્રગતિનો માર્ગ: વર્ષે વીસ લાખ જેટલી કમાણી કરતા પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ પટેલ
ખંત થી ખેતી કરીએ તો ખમતીધર ખેડૂત બની શકાય: ખેડૂત નિર્મલભાઈ પટેલ..
શું આપણે કલ્પના કરી શકીએ કે, પ્રાકૃતિક ખેતીથી વર્ષે વીસ થી બાવીસ લાખ સુધીની કમાણી કરી શકાય? તો જવાબ છે, હા. આ કરી બતાવ્યું છે, પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચીમનભાઈ પટેલે..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકારના પ્રસાર પ્રચારને લીધે રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. યુવા પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીને એક નવા વ્યવસાય તરીકે અપનાવી સફળ બની રહ્યા છે. પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચીમનભાઈ પટેલે પોતાની દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતાના નવા સોપાન સર કર્યા છે. દસ વીઘા જમીનમાં ઘઉં, બાજરી, અડદ, મગ સહિતના પાકો, ઔષધીય છોડ અને ગાયના ગોબર માંથી વીસ થી પચ્ચીસ જેટલી વિવિધ વસ્તુઓ બનાવી તેમજ આયુર્વેદિક વસ્તુઓના વેચાણ થકી આજે તેઓ વર્ષે વીસ થી બાવીસ લાખ રૂપિયા સુધીની કમાણી કરતા થયા છે.

જોકે, નિર્મલભાઈ પટેલ બહુ વિશ્વાસ સાથે કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં સફળ થવું હોય તો તનતોડ મહેનત કરવી પડે. ખંત થી ખેતી કરીએ તો જ ખમતીધર ખેડૂત બની શકાય એ જીવનમંત્ર અપનાવી એમનો આખો પરિવાર પ્રાકૃતિક ખેતીમાં જોતરાયેલો રહે છે. નિર્મલ ભાઈ અને એમના પરિવારે ના કેવળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે, પણ સાથે સાથે પ્રાકૃતિક જીવન પદ્ધતિ પણ અપનાવી છે. તેમના શાંતધન ગીર ગૌ શાળા ફાર્મની મુલાકાત લઇએ તો એમ જ લાગે કે આપણે કુદરતના ખોળે છીએ. સુંદર રમણીય પ્રાકૃતિક વાતાવરણ અને આંખ તથા મન ઠરે એવી આહલાદકતા બે ઘડી વિસામો કરી લેવાનું મન થાય એવી મનોહર છે. ગાર માટી અને ગોબરથી લીંપણ કરેલી તેમના ફાર્મ હાઉસની પરસાળ મનમોહક અને શીતળતા આપનારી છે. જ્યાં બેસીને ખરેખર કુદરતના સાંનિધ્યની અનુભૂતિ થાય છે.
નિર્મલભાઈ પટેલ કહે છે કે, જ્યાં સુધી જમીનમાં અળસિયાંનો વિકાસ નહિ થાય અને રાસાયણિક ખાતરનો વપરાશ ઝીરો ટકા નહિ કરીએ ત્યાં સુધી પ્રાકૃતિક ખેતીનો ફાયદો મળશે નહીં. તેમણે પોતાની દસ વીઘા જમીનમાં સંપૂર્ણ પણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેમના ખેતરમાં થયેલી તુવેરનો ગ્રોથ તો ખરેખર જોવા જેવો છે. પાકમાં જીવામૃતના છંટકાવ માટે તેઓ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમજ વહી જતા વરસાદી પાણીનો સંચય કરી તેનો ખેતીમાં ઉપયોગ કરી શકાય એ માટે ભૂગર્ભ જળ રિચાર્જની સુદંર વ્યવસ્થા પણ તેમણે કરી છે.
ગોબર અને ઔષધિય વસ્તુઓના વેચાણ થી આર્થિક સદ્ધરતા આવી:-
નિર્મલભાઈ પટેલે તેમના શાંતધન ગીર ગૌ શાળા માં નાની મોટી મળી વીસેક જેટલી ગીર ગાયો વસાવી છે. જેના ગોબર અને ગૌ મૂત્રમાંથી તેઓ ધૂપ સ્ટીક, ધૂપ કપ, ગોબરની ઈંટો, પેન/મોબાઈલ મૂકવાના સ્ટેન્ડ, ગો નાઇલ, થાળી, ગૌ અર્ક જેવી વીસ થી પચ્ચીસ જેટલી ગોબર પ્રોડક્ટ બનાવે છે. આ માટે તેમણે આધુનિક મશીન પણ વસાવ્યું છે. આ સાથે ઓર્ગેનિક શેમ્પૂ, ચા, કોફી, તેલ, મધ, ઘી, માખણ, ત્રિફલા ચૂર્ણ, હલ્દી સાબુ, માલિસ તેલ, જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેમના ફાર્મ હાઉસમાં કપૂર કાસલી, હરડે, રજનીગંધા, સિંદૂર, લસણ વેલ, ડોડી/ જીવંતી, બહેડા, અરડૂસી, નાગરવેલ, વિક્સ તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સેટ્રોવિરા, અશ્વગંધા, સતાવરી જેવી સાઈઠ થી વધુ ઔષધીય વનસ્પતિઓ વાવી છે. જેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી કે પાવડર સ્વરૂપે મૂલ્ય વર્ધન કરી તેનું ઉત્પાદન – વેચાણ કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી આત્મનિર્ભર બન્યા છે.
રિપોર્ટર. અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

