જરૂરી માણસનું માણસ થવું- રેખા પટેલ (ડેલાવર)
જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. ભલેને ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ આમાં તેના હથિયાર હેઠા પડવાના હકીકત છે. વ્યક્તિના ગયા પછી તેની કડવી કે મીઠી યાદો સિવાય અંતમાં કશુજ બાકી નથી રહેતું. તો પછી કોઈને નડ્યા વિના, દુઃખ આપ્યા વિના, માણસ બનીને જીવી લેવું જોઈએ. માણસ બનવું એટલે જન્મ લેવો જે શારીરિક સ્થિતિ છે, પરંતુ માણસ થવું એ આંતરિક ગુણોનો ઉછેર છે.
સાવ સીધી લાગતી વાતમાં ખુબ ઊંડાણ છે. માણસ એટલે સંવેદનાઓથી સર્જાએલ વ્યક્તિત્વ. જે બીજા લોકોના સુખ દુઃખ, લાગણીઓને સંવેદનાઓને સમજી શકે તેને યોગ્ય ન્યાય આપી શકે એ માણસ.
વિતી ચુકેલો સમય પાછો મળતો નથી. આજે જે પળ છે, એ જ સાચી છે. કાલે શું થશે એની કોઈને આગોતરી જાણ નથી. આજે નથી મળ્યું તે કાલે મળશે કે નહિ કે પછી જે છે તે હાથમાં રહેશે કે નહિ તેની કોઈ ખાતરી નથી છતાં સહુજીવનને દુઃખ, ગુસ્સો કે અફસોસમાં વેડફીએ છીએ.
જીવન હવે અલગ રીતે જોવાનું મન થાય છે. કોઈને નડ્યા વિના જીવવું, કોઈને દુઃખ ન પહોંચાડવું,અને દરેકને કંઈક મીઠું, કંઇક સ્મરણિય આપી જવું. એજ સાચું જીવન અને એજ જીવવું છે.
ક્યારેક જીવન આપણને એવી ચોટ આપે છે કે શબ્દો અટકી જાય છે અને મૌન બોલે છે. નજીકની મિત્ર, માત્ર પચાસ વર્ષની ઉંમરે કેન્સર સામેની લડાઈ હારી ગઈ. તે ક્ષણે મનમાં અનેક વિચારો ઉઠ્યા —
આ જીવન કેટલું નાજુક છે. એકવાર નંદવાઈ જાય તો ના જોડાય કે ફરી દેખાય. સુખ દુઃખ, સાચવ્યું સંગ્રહેલું બધુજ એવુંને એવુજ રહી જાય છે. એક સ્વીચ દબાવી અને ખેલ ખલાસ. અંતિમ યાત્રામાં એકઠાં થયેલા શોક વ્યક્ત કરતા બધાજ થોડા સમયમાં પોતપોતાના રૂટીનમાં પાછાં વળી જાય છે. આ બધું સહુ કોઈ સમજે છે છતાં કોઈ પણ આનાથી બચી શકે તેમ નથી.
જીવન લાબું કે ટૂંકું હોય એ કરતા કેમ જીવ્યા એ મહત્વનું છે. એ સમય જીવવા મળ્યો તેનો કેવું ઉપયોગ થતો એ મહત્વનું છે. આમ પણ બહુ ઓછો સમય મળે છે જીવનને સમજવા માટે અને સમજ્યા પછી સાચા અર્થમાં જીવવા માટે.
જીવન કેટલું નાજુક છે —
ક્યારે ખરી પડે, ક્યારે શાંત થઈ જાય, એની કોઈને ખબર નથી.
આપણે બધા એ માન્યતામાં જીવીએ છીએ કે “કાલે સમય મળશે”,
પણ નિરાંતની કાલ આવે જ નહીં તો? કેટલું અધૂરું બાકી રહી જશે.
દરેક પળ અમૂલ્ય છે, દરેકનું મળવું એક આશીર્વાદ છે.
ક્યારેક પ્રેમ કે આભાર વ્યક્ત કરવામાં, માફી માંગવામાં મોડું કરી દઈએ છીએ.
એવો સમય મળે જ નહી તો? રાહ જોવામાં કેટલું મધુરું બાકી રહી જશે.
જાણ્યા અજાણ્યા તરફથી પ્રેમ લાગણી મળી રહ્યા છે, એજ જીવનનું સાચું ધન છે.
એમને સમજવા, સાથે જીવવામાં અને પ્રેમ વ્યક્ત કરવામાં સાચું સુખ રહેલું છે.
લાગણી હોય તો જણાવી દેવી, તક ચૂકી જવાથી સુખ ખરું બાકી રહી જશે.
વ્યક્તિની હયાતીમાં મારું તારું કરવામાં કે ઈર્ષામાં તેની સામે સાચા વખાણ કે મીઠી વાતો થતી નથી. પરંતુ તેના ગયા પછી ગુમાવ્યાનું દુઃખ કે વખાણ કોઈ કામના નથી. પ્રેમ કે માન હોત તો હું પદ છોડી બસ કહી દેવું જોઈએ. મુક એવા પશુ, પક્ષીઓ પણ આંખો અને વર્તન દ્વારા આભાર વ્યક્ત કરે છે. ત્યારે આપણે તો બધી રીતે સક્ષમ છીએ. માણસનું માણસ બનવું અહીજ વર્તાય છે.
કમનશીબી કે માણસો ઘટતાં જાય છે. આજુબાજુ નજર નાખતા મૃતપ્રાય માણસોના ઠેરઠેર ઢેર પડેલા જોવા મળે છે. અડધી પડતી મૃતપ્રાય અવસ્થા ઘરાવતી માણસ જાતે ફરી નવજીવન પામવા માટે હૃદયમાં બીજાઓ માટે સહાનુભુતિને જન્મ આપવો પડે, લાગણીઓ અને પ્રેમ દ્વારા તેનું પોષણ કરવું પડે. બીજાની પીડા કે ખુશીને મહેસુસ કરવી પડે છે. જોકે હવે જરૂરીયાત અને લાભ વિના કોઈને માણસ થવામાં ખાસ રસ નથી.
હા! દરેકને માણસ થવું છે પરંતુ બીજા કરતા અલગ ઊંચા કદનો, જ્યાં તેને કોઈ પહોચી નાં શકે. તેને પદ, પૈસા, શક્તિ માન, પ્રભાવ બધુજ વધારે જોઈએ છે. અને સામે પ્રેમ, નમ્રતા, લાગણી, આદર બધું સાવ ઓછું આપવું છે… આ વલણ માણસને સમાજ, કુટુંબ અને પોતાની જાતથી દુર કરતો ગયો અને મોટા બનવાની ચાહમાં એકલો પડતો ગયો.
બાકી માણસનું માણસ થવું ખાસ અધરું નથી. દયાળુ અને પ્રેમાળ બનવાથી, હું અને તું ને ભેગા કરી આપણે બનાવાની પહેલ કરવાથી સહેલાઈથી હ્રદય જીતી શકાય છે. કોઈના દુઃખમાં સાથ આપવો અને સુખમાં, ખુશીમાં દિલથી અભિનંદન આપવામાં માણસાઈ વ્યક્ત થાય છે.
માત્ર પાન કાર્ડ કે ઓળખપત્રથી માણસ તરીકેની ઓળખ નથી સાચવતી. મૃત્યુ બાદ થયેલા કર્મો અને પ્રેમ ઓળખને જીવંત રાખે છે.
માણસ માણસને જ એકલો પાડે છે. મદદ આપતા કતરાય અને મદદ માંગતા અચકાય છે. એકલો પડતાં મુંઝાય છે અને તુટતો જાય છે. આજ કારણોસર ડીપ્રેશન જેવી ખતરનાક માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે.
બાકી સહુથી સહેલી પ્રેમની વહેચણી માણસ કરી શકે તેમ છે. બોલી શકે છે, માગી શકે છે. વહેચી શકે છે. ટૂંકમાં વાણી વર્તન દ્વારા લાગણીઓની લ્હાણી કરી શકે છે.
માણસનું મન એટલે ઉગતી સવાર, આથમતો સુરજ અને મધરાતે ચમકતાં તારાઓ.
ખુશીમાં ખળખળ વહેતું ઝરણું, શાંત નદીનો ઠહેરાવ, ક્રોધે લાવાનો ગાળી નાખતો પ્રવાહ.
માણસનું મન એટલે ખીલતી સુગંધ, મઘમઘતું ચંદન વન, ગુસ્સામાં એ કાંટાળો થોળ.
ક્યારેક મખમલ જેવો કોમળ, તો બની મતલબી લાગણીઓને રહેંસી નાખતો હેવાન.
તો એજ માણસ સહ્ર્દાતા અપનાવી બને સંત મહાત્મા.
ઘણાં લોકો બહારથી અત્યંત શાંત, સંયમી અને સ્થિર લાગે છે. પરંતુ અંદર વિચાર, લાગણી, સ્મૃતિ, દુઃખ, ડર, સ્વપ્ન, પસ્તાવો, પ્રેમ આવા હજારો તરંગો ઉછળતા હોય છે. પોતાને ઓળખવા માટે ક્યારેક એકાંત અને એકલતા જરૂરી છે.
જ્યારે માણસ એકલો રહે છે, બહારની દુનિયાના અવાજો ધીમા પડે છે. તે સમયે જ મનનું આંતરિક જગત સ્પષ્ટ દેખાય છે. એકલતામાં પોતાના વિચારોને સાંભળી શકે, ભાવનાઓને સ્વીકારી શકે છે, ત્યારે “હું” સાથે મુલાકાત થાય છે.
પોતાને સમજવા માટે દેખાવ નહિ, અનુભૂતિની જરૂર પડે છે, જે ફક્ત એકલતામાં શક્ય બને છે.
માણસ જન્મથી માણસ નથી બનતો.. એ “માણસ” બને છે પોતાની સમજ, અનુભવ અને સંવેદનાથી.
જ્યારે પોતાને ઓળખે છે, પોતાની અંદરની અંધાર અને પ્રકાશ બંનેને સ્વીકારતો શીખે છે,ત્યારે ખરેખર માણસ બને છે — સજાગ, સંવેદનશીલ અને સમતોલ.


