Gujarat

18 કરોડ લઇને વડોદરાની ટ્રી હાઉસ સ્કૂલનો કબજો ન આપનાર મુંબઇના 10 સંચાલકો પૈકી 2ની મુંબઈથી ધરપકડ

વડોદરા શહેરની અટલાદરાની ટ્રી હાઉસ સ્કૂલની જગ્યાનો 18 કરોડ ચૂકવી દસ્તાવેજ થઈ ગયો હોવા છતાં એનો કબજો નહીં સોંપાતાં લેન્ડ ગ્રેબિંગ અને વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપી પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડાયરેક્ટરો સહિત 10 આરોપી સામે ગુુનો દાખલ અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ અમથાભાઈ દેસાઈ દ્વારા ડીસીબી પોલીસ મથકે લેન્ડગ્રેબિંગ અંગેની ફરિયાદ 26મી તરીકે નોંધાવાઇ હતી. જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લી કંપનીના ડાયરેક્ટરો સહિત 10 આરોપી સામે ગુુનો દાખલ કરાયો છે.

અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અને જમીન મિલકતો ખરીદ વેચાણ કરવાની અને ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા જેબર રિયાલિટી એલએલપી કંપની વતી રમેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

દસ્તાવેજ કરી આપવા છતાં કબજો ન સોંપાતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટરો દ્વારા સ્કૂલ બનાવ્યા બાદ બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ થઇ શકી ન હતી. જેથી આર્થિક સંકટમાં મુકાયેલા ડાયરેક્ટરોએ ટ્રી હાઉસ સ્કૂલની અટલાદરા સર્વે નંબર-49ની 4806 ચો.મી. જમીન વેચવાનું નક્કી કરાયું હતું. આ અંગે રમેશભાઈ દેસાઈનો સંપર્ક કરાયો હતો અને 18 કરોડમાં જમીન અને બિલ્ડિંગ વેચવાનું બે વર્ષ અગાઉ નક્કી થયું હતું.

સ્કૂલ સંચાલકો ચલાવશે એની સામે મહિને 1.5 લાખ રૂપિયા ભાડું આપવાનું નક્કી થયું હતું. એ મુજબ રમેશભાઈએ જુદા-જુદા સમયે બેંક ટ્રાન્સફર અને ચેકથી 18 કરોડ રૂપિયા ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લી.ને ચૂકવી દેતાં દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજ કરી આપવા છતાં કબજો સોંપવામાં નહીં આવતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઇ હતી.