ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીના રોજ ખેડૂતોના મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવા માટે રાજ્યના ખેડૂતો ગાંધીનગર એકઠા થશે તેવો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં યોજાયેલી વિશેષ કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું.
નિર્ણય અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હજારો કિસાનો ગાંધીનગર પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થશે. આ દિવસે સરકાર સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે અંતિમ નિર્ણય લેવાશે.
ખાતર સહિતના પ્રશ્ને લડત ચલાવવાનો નિર્ણય કિસાન સંઘે સરકાર પર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને ખાતર વિતરણમાં લાંબી લાઈનો, સમયસર ખાતર ન મળવું અને સીઝન પૂરી થયા બાદ ખાતર ઉપલબ્ધ થવાનો પ્રશ્ન ખેડૂતો માટે ગંભીર બન્યો હોવાનું જણાવાયું છે.“સીઝન પતી જાય પછી ખાતર શું કામ આવશે?” એવો તીખો સવાલ પણ કિસાન સંઘ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
કિસાન સંઘના જણાવ્યા મુજબ, જો સરકાર સમયસર ખેડૂતોની માંગણીઓ નહીં સાંભળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ખેડૂતોનો મોટો જનસમુદાય ઉમટી પડશે, જેના કારણે રાજકીય તાપમાન ગરમાવાની શક્યતા છે.

