Gujarat

નવા વર્ષના પ્રથમ દિવસે સૂકવેલું ડાંગર પલળ્યું, આર્થિક પેકેજની માંગ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ખાસ કરીને સૂકવેલું ડાંગર પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી છે.

પાછોતરા વરસાદને કારણે ખેતરોમાં ભેજ હોવાથી ખેડૂતોએ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક પોતાનું ડાંગર સૂકવવા મૂક્યું હતું.

અચાનક આવેલા વરસાદથી આ ડાંગર સંપૂર્ણપણે પલળી ગયું હતું.આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતો પાક ઉતારો મળી રહ્યો નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

ખેડૂતો દ્વારા સરકાર પાસે ઝડપથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. વારંવારના નુકસાનને કારણે ઘણા ખેડૂતો હવે ધીમે ધીમે ડાંગરની ખેતીથી દૂર થઈ રહ્યા છે.