Gujarat

જામનગર પોલીસનું ‘ઓપરેશન ગોગો’

જામનગર SOGએ શહેર અને મોટી ખાવડીમાં બે પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા છે. ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરાઈ છે.

આ ઝુંબેશના ભાગરૂપે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGની ટીમે સૌ પ્રથમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી ‘આરજુ પાન’ નામની દુકાનમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 35 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે કબજે કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ‘ગુપ્તા પાન’ નામની દુકાનમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. અહીંથી 29 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે પણ જપ્ત કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં SOGની ટીમ દ્વારા અન્ય સ્થળોએ પણ આવી ચકાસણીઓ ચાલુ રાખવામાં આવી છે.