જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ વિભાગના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે જામનગર જિલ્લામાં કુલ 363 શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરી હતી.
આ તપાસના પરિણામે, 1930 હેલ્પલાઈન પર મળેલી 35 ફરિયાદોના આધારે જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમના 24 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કુલ ₹2,23,58,225ના સાયબર ફ્રોડના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 55 આરોપીઓ પૈકી 24ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે.
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો તેમજ અજાણતા કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતાઓનો મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપનાર વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

