Gujarat

15 વર્ષથી કાયમી ભરતી ન થતાં રામકથા મેદાનમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, 5000થી વધુ જગ્યાઓ ખાલી

ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માગ સાથે ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે.

શિક્ષકોએ પોતાના બાળકો સાથે પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. શિક્ષકોની મુખ્ય માગ છે કે, કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી શરૂ કરવામાં આવે.

હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની મર્યાદિત સંખ્યામાં ભરતી થાય છે. ધોરણ 1થી 8માં વ્યાયામ શિક્ષકોની નિમણૂક જ થતી નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટી (SAT)ને માન્ય ગણી ભરતી કરવાની માગ છે.

સરકારે પોતે જ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ દર્શાવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 20 અને RTE 2009 અંતર્ગત શારીરિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

શિક્ષકોની માગ છે કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યાયામને પૂર્ણકાલીન વિષય ગણી, SAT પરીક્ષાને લાયકાત તરીકે ગણી તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે. આ માટે નવો જી.આર. બહાર પાડી નવું માળખું રચવાની પણ માગ કરવામાં આવી છે.