ગિરનાર પ્રત્યે અનોખો લગાવ-પ્રેમ ધરાવતા અર્પણભાઈ ખૂબ સારા ભજનિક, વર્ષ ૨૦૦૮થી દર વર્ષે આસ્થાભેર છે‘ક દૂર લંડનથી ભાવિક ભકતજન બનીને મહા શિવરાત્રીના મેળામાં આવે છે
તપોભૂમિ ભવનાથ પ્રત્યે મને પ્રેમ છે, દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર વધુને વધુ સારું આયોજન કરતું આવ્યું છે. ગિરનારમાં આવું એટલે મારી વાણી પવિત્ર બને છે : ભજનિક અર્પણભાઈ
અર્પણભાઈ પ્રસિદ્ધ ભજનિક અને કલાકાર સ્વ. પ્રાણલાલ વ્યાસના અંતિમ શિષ્ય
“ગિરનારમે વો આતે હૈં જીસકો યોગી સ્વરૂપ ગિરનારી મહારાજ બુલાતે હૈ”
ભક્તોમાં બોલાતી આ ઉક્તી ગિરનારની શાશ્વત ઉર્જાને સાર્થક કરે છે. વર્ષોથી લંડન માં રહેતા ગુજરાતી યુવક કે જે પ્રાચીન ભજન શીખવા જુનાગઢ આવ્યા અને પ્રાચીન ભજન શિખ્યા પછી તેમને ગિરનારનો કાયમી લગાવ થઈ ગયો છે.
વાત કરવી છે એક એવા ગિરનારી યુવા શ્રદ્ધાળુની જે છે’ક યુનાઈટેડ કિંગડમથી મહાશિવરાત્રી મેળો માણવા આવ્યા છે.
મૂળ ગુજરાતી, જેમનો જન્મ અને ઉછેર લંડન-યુ.કેમાં થયો એ નવયુવા અર્પણભાઈ ફટાણીયાએ ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિને ભજનના માધ્યમથી બ્રિટનમાં પ્રસરાવી છે.
અર્પણભાઈ એ પ્રસિદ્ધ ભજનિક અને કલાકાર સ્વ. પ્રાણલાલ વ્યાસના અંતિમ શિષ્ય છે. વર્ષ ૨૦૦૬માં અર્પણભાઈએ પોતાના ગુરુના માર્ગદર્શનમાં ભજનની તાલીમ પ્રાપ્ત કરી હતી અને ખૂબ સારા ભજનિક બન્યા હતા.
અર્પણભાઈએ જણાવ્યુ કે, આ તપોભૂમિ ભવનાથની જગ્યા સાથે મને પ્રેમ છે, દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર વધુને વધુ સારું આયોજન કરતું આવ્યું છે. આ વર્ષે પણ ખૂબ સરસ વ્યવસ્થાઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે. હું ગિરનારમાં આવું એટલે મારી વાણી પવિત્ર બને છે. આથી હું વર્ષ ૨૦૦૮થી પ્રત્યેક વર્ષ મહાશિવરાત્રીના મેળામાં આવું છું.
તેમણે વધુ ઉમેર્યું કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ લંડન યુ.કે માં છે. પરંતુ મને એ જાણીને ખૂબ આનંદ થયો કે, ગિરનાર તપોભૂમિમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. જિલ્લા વહીવટી તંત્રની આ ઉમદા વ્યવસ્થા અને નિર્ણયને આવકારું છું.
ઉલ્લેખનીય છે કે, અર્પણભાઈનો ઉતારો ગોરખનાથ આશ્રમ,જૂનાગઢ ખાતે છે.સાથે અહીં તેઓ સંતવાણીની પ્રસ્તુતી કરીને ભાવિક ભકતજનોને પોતાની કલા પીરસી રહ્યા છે.