Gujarat

1,08,000 હેક્ટરમાંથી માત્ર 8,600 હેક્ટરમાં જ પાકની વાવણી થઈ

સુરત જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ અવિરત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 21 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાં કુલ 60% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે અને કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા માટે રજૂઆત કરી છે. સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે 1,08,000 હેક્ટરમાં પાકની વાવણી થાય છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 8,600 હેક્ટરમાં જ પાકની વાવણી થઈ શકી છે, જે કુલ વાવણીના માત્ર 8% જેટલું જ છે.

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, ખેડૂતો કેટલી ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને, ડાંગર જેવા પાક પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ડાંગરની રોપણી માટે નાખવામાં આવેલા ધરુવાડિયાં (રોપાઓ) સતત વરસાદને કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.

જેના પરિણામે ખેડૂતોને બીજી વખત ધરુ નાખવા માટે મજબૂર થવું પડ્યું છે. આના કારણે ડાંગરની રોપણી મોડી થશે અને અંતે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરશે.